WELCOME JAYESH DEDHIA`S BLOG

Sunday, November 23, 2008

શુ શિક્ષણ એ યાદ શક્તિની કસોટી છે. ? ? ? ?

શિક્ષણ વિશેનો આપણો સામાન્ય ખ્યાલ એવો છે કે વષૅને અંતે જે પરીક્ષા લેવાય છે એમાં પાસ થવા માટે બાળક ભણે છે.બાળક જે કંઈ ભણે છે એ તેણે યાદ રાખવાનું છે અને યાદ રાખી પરીક્ષામાં લખી શકાય એ માટે બાળક ભણે છે. ટૂંકમાં આપણે માનીએ છીએ કે ભણતર પરીક્ષા માટે છે અને પરીક્ષા એ યાદશક્તિની ગોખવાની શક્તિની ક્સોટી છે.

આ માન્યતા આપણા સૌ વાલીઓના મગજમાં એટલે ઊંડે સુધી ઘર કરી ગઈ છે કે બાળકની અભ્યાસસંબંધિત પ્રવૃતિને નામે આપણને માત્ર પરીક્ષા અને યાદશક્તિ આ બે જ શબ્દો યાદ આવે! બાળક અભ્યાસમાં નબળું હોય તો 'તેની યાદશક્તિ નબળી છે' એવું લેબલ બાળકને લગાવી દેવામાં આવે છે. બાળકના અભ્યાસને યાદશક્તિની સમસ્યા તરીકે ખપાવી દેવામાં આવે છે.

અભ્યાસમાં નબળાં બાળકોને ખરેખર યાદશક્તિની સમસ્યા હોય છે ખરી ????મોટા ભાગનાં બાળકોની યાદશક્તિ તેમનાં માં બાપ કરતા ધણી તીવ્ર અને સચોટ હોય છે. અભ્યાસમાં નબળાં કહેવાતાં બાળકો પિકચરનાં આખાં આખાં ગીતો શબ્દશ: યાદ રાખી શકે છે. ફિલ્મો અને સિરિયલની સ્ટોરી તેમને બરાબર યાદ રહે છે. ક્રિકેટમેચના સ્કોર તે ઝીણવટભરી રીતે યાદ રાખે છે.

ફિલ્મનાં ગીતો યાદ રાખનાર બાળક કવિતા મુખપાઠ કરી નથી શક્તું. ફિલ્મની આખેઆખી સ્ટોરી યાદ રાખનાર બાળક નિબંધ કે સમાજવિધાની ટૂંકનોધ યાદ રાખી નથી શકતુ. જે બાળક વન-ડે મેચની છેલ્લી ઓવરોમાં કેટલા રનરેટથી રન કરવાના છે એ તરત ગણી કાઢે છે એજ બાળક ગણિતનો દાખલો ગણી નથી શક્તુ.

અહીં સવાલ યાદશક્તિનો નથી, સવાલ રસ પડવા વિશેનો છે, મજા આવવા વિશેનો છે. બાળકને ફિલ્મો અને મેચોમાં જેટલી મજા આવે છે એટલી મજા ગુજરાતી કે ગણિતમાં નથી આવતી. મજા આવતી હોવાથી બાળક એકાગ્રતાથી ટીવી જોઈ શકે છે. મજા ન આવતી હોવાથી બાળક એકાગ્રતાથી ભણી નથી શકતુ. આ એક જ વાકયમાં મોટા ભાગનાં બાળકોની શિક્ષણવિષયક સમસ્યાનો ઉકેલ છુપાયેલો છે.

'અભ્યાસમાં પણ મજા આવી શકે' એવો અનુભવ બાળકને પ્રથમ વાર મા-બાપ કે શિક્ષક જ કરાવી શકે. બાળકને આવો અનુભવ કરાવવામાં મોટા ભાગનાં મા-બાપ અને શિક્ષકો કરુણ રીતે નિષ્ફળ જાય છે, છતાં બાળકની નિષ્ફળતાનો ટોપલો કોઈ પોતાને માથે નથી લેતું????'અભ્યાસ' અને 'મજા' એ પરસ્પર વિરોધી શબ્દો છે એવો ભાવ બાળકના મગજમાં ઉત્પન્ન કરવામાં મા-બાપ સૌથી મોટો ભાગ ભજવે છે. બાળક બાળપણનો સાહજિક આનંદ લેતું હોય, રમતું હોય, મોજમસ્તી કરતું હોય ત્યારે સતત અભ્યાસ માટે તેને ટોકી-ટોકીને તેના મનમાં ભણતર વિશેનો નકારાત્મક અભિગમ ઉત્પન્ન કરવામાં આવે છે.

0 Comments:

Post a Comment

<< Home